Infolinks in Text ads

Ads

કપાઈ રહ્યા છે દહેગામ નરોડા રોડ પરના 1000 જેટલા વૃક્ષો.


દહેગામથી નરોડા રોડ પરથી પસાર થતી વખતે રોડની બંને તરફ નજર કરી છે. રોડને પોતાના છાંયડાથી ઢાંકી દેતા હારબંધ વૃક્ષોની હારમાળા તમને નજરે ચડશે. સવારના પહોરમાં કે સાંજે આ રસ્તા પરથી બાઈક લઈને અમદાવાદ તરફ જતા હો ત્યારે આવતો મંદ પવન અને વૃક્ષોનો છાંયડો મનને પ્રફુલ્લિત કરી મુકતો. અલબત બની શકે કે આ હારમાળા અને વૃક્ષોનુ સાનિધ્ય હવે એકમાત્ર કલ્પના જ બનીને રહી જાય.



અલબત કારણ બહુ જ સામાન્ય અને આવશ્યક છે. દહેગામ નરોડા રોડને ૪ લેન બનાવવા માટે આ રોડ પર રહેલા વૃક્ષોને કાપવા અતિ આવશ્યક છે અને એટલે જ આ વૃક્ષોના મોતનો પરવાનો નીકળી ચુક્યો છે. અત્યાર સુધી જે વૃક્ષો આપણને છાંયડો આપી રહ્યા હતા આપણે જ હવે તેને મોત આપી રહ્યા છીએ. અલબત આ જરુરીયાત છે. દહેગામ નરોડા રોડ પર વધી રહેલા અકસ્માત અને મોતને નિવારવા માટે આ પગલુ અનિવાર્ય છે શક્ય છે કે આ માટેની પરવાનગી મેળવતા અધિકારી અને તંત્રના નાકે દમ આવી ગયો હોય પરંતુ હવે આ ઝાડને કાપવાની કામગીરી તીવ્રતાભેર હાથ ધરાઈ રહી છે.



રીંગરોડની આસપાસના વિસ્તારના રોડ પરથી તો આ વૃક્ષો દુર કરી પણ દેવાયા છે. ગ્લોબલ વોર્મિંગ અને શહેરી વિકાસથી જંગલોમાં થતા ઘટાડા અંગે અત્યાર સુધી આપણે માત્ર પુસ્તકોમાં વાંચતા આવ્યા છીએ હવે તેનો અનુભવ પણ કરી લઈશુ અને આ માટે આપણે સહુ સહીયારી રીતે જવાબદાર છીએ. વધતા વાહનો, વધતી વસ્તીના લીધે આ સ્થિતી સર્જાઈ છે તો તેને ભરપાઈ કરવાની જવાબદારી પણ આપણી જ છે.



થોડા સમય પછી કર્મઠ ધારાસભ્યના પ્રયાસોના જોરે કદાચ આપણી પાસે ફોર લેન જેવો રોડ હશે પરંતુ એની બંને બાજુ છાંયડો રેલાવતા વૃક્ષો નહી હોય ત્યારે હવે આપણી જવાબદારી છે કે આપણે એક નાગરીક તરીકે ની ફરજ બજાવી પર્યાવરણ સંરક્ષીત કરવા વૃક્ષારોપણ કરીએ અને આવનારી પેઢીને એક સ્વસ્થ પર્યાવરણની ભેટ આપીએ. નહીતર અમદાવાદની જેમ આપણા શહેરને પણ માત્ર કોંક્રીટના જંગલમાં તબદીલ થતા કોઈ નહી રોકી શકે.

વૃક્ષોની આ હાલત જોઈને આદિલ મન્સૂરીનો એક શેર યાદ આવે છે કે

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

Comments